પ્રેરણાના પગથિયાં - by મિતલબા વી પરમાર
સપનાઓથી પણ મોટું સત્ય
[ખોટી માન્યતાઓ અને ખોટી પરંપરાનું બંધન ખતરનાક હોય છે.પણ ઘણીવાર વ્યક્તિનો સંકલ્પ, તેની દૂરદષ્ટિ વાતાવરણને નવી દિશા આપતી હોય છે. ધન્ય છે એ માબાપ કે પોતાના સંતાનોને માત્ર જમીનની ધૂળ જ નહીં, આકાશના તારાઓને પણ જોતા શીખવે છે. સાચા માબાપ લોકો શું કહેશે એની પરવા કર્યા વગર પોતાના સંતાનોનું ભાવિ જોઈ શકતા હોય છે. સદ્દભાગી છે એ સંતાનોનું કે જેમને પોતાના વડીલોએ ઉડવા માટે પાંખો આપી અને ઊંચા આકાશ તરફ નજર કરતાં શીખવી. પ્રેરણાનું આ અગિયારમું પગથિયું છે કે “જે ઉજળા ભાવિને જોઈને મક્કમતાપૂર્વક નિર્ણય કરી શકે”. મિતલબાની આ સત્ય ઘટના લોકોને કૂવામાંના દેડકામાંથી બહાર નીકળી દુનિયાની વિશાળતાને જોવાની નવી દૃષ્ટિ આપશે એવો વિશ્વાસ છે.]
આ વરસાદ જૂઓને બંધ થવાનું નામ જ નથી લેતો. એવું લાગે સૂર્યનારાયણ જોએ વર્ષો વીતી ગયા હોય, અરે ! વર્ષો વીતી ગયા... વર્ષો પહેલા હું ભણવામાં હોશિયાર, પપ્પા કહે, બેટા પી.ટી.સી. કરી નાખો. ભવિષ્ય સારું રહેશે. અમે કહ્યું, પપ્પા ! શું કામ આપના પૈસાનું નુકસાન કરવું. આપનો સમાજ સ્ત્રીને ક્યાં નોકરી કરવા દેશે ? પપ્પા કહે, તો કૉલેજ કરો, પણ અમે કહ્યું, પપ્પા ! બધા વિરોધ કરશે અને થયું પણ એવું જ. સગાસંબંધીઓ તમામના ટીકાને પાત્ર અમે થયા. લગ્ન કરવાની જગ્યાએ કૉલેજ કરાવે', એવી વાતો બધા કરતા. પરંતુ પપ્પા મક્કમ હતા. અમે કૉલેજ પૂર્ણ કરીને એમ. એ. પાર્ટ ૧ શરૂ કર્યું અને સગાઈ થઈ, લગ્ન થઈ ગયા. નાનું ગામ, સંયુક્ત પરિવાર, ચૂલો જ સંભાળવાનો હતો. રસોઈ જેવી-તેવી જ ફાવતી. શું ભણતરનું કામ ? પણ કરિયાવર સાથે મમ્મીએ વાનગીઓનું પુસ્તક આપ્યું હતું. રોજ રાતે છાનામાના વાનગી વાંચી લઈ, બીજા દિવસે નવી વાનગી બનાવી ઘરના સભ્યોને સ્નેહથી જમાડતા. જમવાનું નવું-નવું મળે તો કોણે ખુશ ના થાય ? અચરજની વાત, પાપાજી કહે, ભણવાનું ચાલુ રાખો, સાસરીમાંથી બી.એડ, કરાવ્યું. આ બધું કરવાની પ્રક્રિયામાં અમને તો જિંદગી સપનાં સમાન લાગવા લાગી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી, બેંકમાં જોબ મળી પણ વહુ નોકરી કરશે ? ગામમાં થઈ વાતો, કારણ પતિજીને જોબ હતી તો શું જરૂર વહુને કામ કરવાની. પત્નીના પૈસાથી ઘર થોડું ચલાવવાનું હોય ? એને તો ફક્ત ચૂલો અને ઘરની ચાર દીવાલ જ સાથે પ્રેમ કરવાનો હોય, એવી રૂઢિચુસ્ત માન્યતાઓ, મગજમાં હજારો ગડમથલ પરંતુ પરિવારના તમામ સભ્યોના હકારાત્મકતા ભર્યા વર્તને અમને હિંમત આપી બેંકની નોકરી શરૂ થઈ. પ્રથમ દિવસે ઑફિસમાં ધૂસકે-ધ્રુસકે ૨ડવા લાગી. કેમ ફાવશે જોબ ' અજાણ્યા માણસો વચ્ચે બેંકિંગ જ્ઞાન પણ નહિવતું હતું. પરંતુ સ્ટાફ લોકોએ પણ બહુ ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. બધું કામ ધીમેધીમે શીખી
ગયાં અને બેંકના યુનિયન ચૂંટણીમાં પ્રથમ મહિલા ડેલિગેટ તરીકેની પસંદગી થઈ યુનિયનના ૧૫માં અધિવેશન જૂનાગઢ મુકામે પ્રથમ વક્તવ્ય આપ્યું ત્યારથી શરૂઆત થઈ વક્તવ્યની. ૮મું નૅશનલ કન્વેન્શન ઑફ વુમન ઑફ બેંક એપ્લોઈસમાં અમારું નામ સિલેક્ટ થયું. તા ૨૪-૧૧-૨૦૧૮ના રોજ હૈદ્રાબાદ મુકામે કન્વેન્શનમાં ભાગ લીધો. ડગલે ને પગલે હંમેશાં સકારાત્મક વિચારો અને પ્રેરણા આપનાર પતિ શ્રી કહે, મોટિવેશન ટ્રેનરની ટ્રેનિંગ લો કેમકે સારું બોલો છો અને આજે અમે બેંકમાં જોબ સાથે, સોશિયલ વર્ક અને સાથોસાથ motivational ટ્રેનર બની
ગયા. વર્ષો પહેલાની અમારી સંકુચિત વિચારસરણીએ આમૂલચૂલ બદલાવ સાથે બહુ વિશાળરૂપ લઈ લીધું છે. સપનું પણ આવું ન આવી શકે એવી આ હકીકત બની ગઈ, પણ આ વરસાદ તો હજુ એવોને એવો જ છે, મનમરજી.
કરું હું વિચાર કે કંઈક હકારાત્મકતા લાવું હું
સૌ કોપી પેસ્ટ ભલે કરે, પણ હું નવું સર્જન કરું
નકલ નહીં કરતા હું કરું સર્જનાત્મકતા
મિતલબા વી પરમાર મુળી (પ્રેરણાનાં પગથિયાં માંથી)
અદભુત...
ReplyDelete